જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું : જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી, બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી, તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો ! લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય. ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો; જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો ! કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે: ‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’ ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા ! – બાલમુકુન્દ દવે ગુજરાતી ભાષાનું અમર કરુણપ્રશસ્તિ કાવ્ય माया મનુષ્યમાત્રની લાક્ષણિકતા છે, કદાચ સજીવમાત્રની! સમયની સાથે આપણને આપણી આસપાસના માત્ર સજીવો જ નહીં, નિર્જીવો સાથે પણ માયા બંધાઈ જાય છે. આપણા ઘર-ઑફિસ-વાહન-સામાન આપણા જીવનના અવિભાજ્ય અંગો બની જાય છે. મોબાઇલ બગડી જાય ત્યારે જે દુઃખ થાય છે, એ માત્ર નવા કરવા પડનાર ખર્ચ બાબતનું નથી હોતું કેમકે બગડતાં પહેલાં એ આપણી હથેળીના પરિવારનો એક સદસ્ય બની ...